Wednesday, February 11News That You Want to Read

NH-848 પારડી-કપરાડા ફોર-લેન અપગ્રેડેશન – વિકાસના નામે વિનાશનો માર્ગ?

નેશનલ હાઈવે 848 (NH-848) ના પારડીથી કપરાડા સુધીના 37.08 કિલોમીટરના ફોર-લેન અપગ્રેડેશન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ ₹825.72 કરોડ છે. આ પ્રોજેક્ટને દક્ષિણ ગુજરાતના વિકાસનું પગલું ગણાવવામાં આવે છે, પરંતુ સ્થાનિક રહીશો, વેપારીઓ અને ખેડૂતોની ચિંતાઓ અને જમીન સંપાદનના જટિલ પડકારો આ પ્રોજેક્ટની ચમકને ઝાંખી કરી રહ્યા છે.

આ વિકાસના નામે શું સ્થાનિકોના જીવન પર નકારાત્મક અસરોનો વરસાદ થશે? આ પ્રશ્ન આજે પારડી, વાઘછીપા, ચિવલ, સુખેશ અને પંચલાઈ જેવા ગામડાઓના લોકોના મનમાં ઘૂંટાઈ રહ્યો છે.

જમીન સંપાદન: લોકોની આજીવિકા પર સંકટ…

NH-848 ના ફોર-લેન અપગ્રેડેશન માટે જમીન સંપાદન એક મોટો પડકાર બની રહ્યો છે. પારડી શહેર અને આસપાસના વાઘછીપા, ચિવલ, સુખેશ, અને પંચલાઈ જેવા ગામડાઓમાં ગીચ વસ્તી અને ઊંચા જમીનના ભાવ આ પ્રક્રિયાને અત્યંત ખર્ચાળ અને સંવેદનશીલ બનાવે છે.

નેશનલ હાઈવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમીન સંપાદનનો ખર્ચ “સોના કરતાં ઘડામણ મોંઘી” કહેવતને સાર્થક કરવા સમાન છે. એક અધિકારીએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું કે, આ સિંગલ ટાઇપનો ટુ લેન માર્ગ ફોર લેન બનાવવો શક્ય નથી. બનશે તો તેનો બોજ આખરે સામાન્ય નાગરિકો પર જ પડી શકે છે. પારડી શહેર, જે આ હાઈવેનું હૃદય ગણાય છે, ત્યાં રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાંથી પસાર થતી જમીનોનું સંપાદન લોકોની આજીવિકા અને રહેઠાણને જોખમમાં મૂકી શકે છે.

સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો ચિંતામાં છે કે તેમની દુકાનો, ઘરો અને ખેતરોનું શું થશે? વાઘછીપા અને ચિવલ જેવા ગામડાઓમાં, જ્યાં પહેલેથી જ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સે જમીનના ભાવ આસમાને પહોંચાડ્યા છે, ત્યાં વધુ જમીન સંપાદન સ્થાનિકો માટે આર્થિક અને સામાજિક સંકટ ઊભું કરી શકે છે. યોગ્ય વળતર અને પુનર્વસનની માંગણીઓ હજુ સુધી અધિકારીઓ દ્વારા ગંભીરતાથી સાંભળવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ અને નિરાશા વધી રહી છે.

સલામતીની ઉણપ: બ્લેક સ્પોટ્સનું જોખમ

  ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA) ની નિષ્ફળતા પણ આ પ્રોજેક્ટની ચિંતાઓમાં વધારો કરે છે. નાના પોંઢાથી કપરાડા સુધીના માર્ગ પર, ખાસ કરીને કુંભ ઘાટ જેવા વિસ્તારોમાં, દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે, જેમાં જાનમાલનું નુકસાન થાય છે. આ ઘાટ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અને ખરાબ રોડ ડિઝાઇન અકસ્માતોનું મુખ્ય કારણ છે.

GRSAએ આ “બ્લેક સ્પોટ્સ” ની ઓળખ કરીને તેનું નિવારણ કરવું જોઈએ, પરંતુ હાલની સ્થિતિમાં આવા પગલાંનો અભાવ જોવા મળે છે. ફોર-લેન માર્ગનું નિર્માણ આ બ્લેક સ્પોટ્સને વધુ ખરાબ કરશે કે તેનું નિવારણ કરશે, તે એક મોટો પ્રશ્ન છે.

આ પ્રોજેક્ટની મંજૂરીની જાહેરાત વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કરતી પ્રેસ રીલીઝ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતોમાં સ્થાનિકોની ચિંતાઓ અને જમીન સંપાદનની પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટતા નથી.

પ્રોજેક્ટની પારદર્શિતા અને અસરગ્રસ્ત લોકો સાથે સંવાદનો અભાવ સરકાર અને અધિકારીઓની ઉદાસીનતા દર્શાવે છે. સ્થાનિકોને યોગ્ય વળતર, પુનર્વસન અને આ પ્રોજેક્ટની પ્રગતિ અંગેની માહિતી આપવામાં આવે તે જરૂરી છે, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

NH-848 નું ફોર-લેન અપગ્રેડેશન નિઃશંકપણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પરંતુ આ વિકાસની કિંમત શું સ્થાનિક લોકોની આજીવિકા, ઘરો અને ખેતરોના બલિદાનથી ચૂકવવામાં આવશે? સરકાર અને NHAI ને આ પ્રોજેક્ટને પારદર્શક, ન્યાયી અને લોકોના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધારવાની જરૂર છે. જો આ પડકારોનું નિવારણ નહીં થાય, તો NH-848 નું અપગ્રેડેશન વિકાસના નામે વિનાશની કહાની બની શકે છે.

જો સરકાર આ ચિંતાઓને ગંભીરતાથી નહીં લે, તો NH-848 નું અપગ્રેડેશન દક્ષિણ ગુજરાતના વિકાસનું સપનું નહીં, પરંતુ સ્થાનિકો માટે દુઃસ્વપ્ન બની શકે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *