Wednesday, February 18News That You Want to Read

ધરમપુરના ઐતિહાસિક વારસા પર ઘેરાતો સંસ્થાકીય ‘ડોળો’: લેડી વિલ્સન મ્યુઝિયમ અને 200 વર્ષ જૂના ખંડેર બંગલા પર પ્રશ્નાર્થ!

ધરમપુર સ્ટેટનાં શાહી પરિવાર પોતાની ઐતિહાસિક વારસાની મિલકતો ખાનગી ટ્રસ્ટ અથવા સમકક્ષ ખાનગી માલિકોને વેચી રહ્યાં હોવાનું જાણવાં મળ્યું છે. ત્યારે, 12મી સદીનું રામનગર – 17 મી સદીમાં ઘરમપુર તરીકે ઓળખાયું. હવે 21 મી સદીમાં કોનાં નામે ઓળખાશે?

ધરમપુર : દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ધરમપુરનો સમૃદ્ધ રાજવી વારસો અને તેની ઐતિહાસિક મિલકતો હાલ એક ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. એક ચોક્કસ ધાર્મિક સંસ્થા દ્વારા ધરમપુરના રાજવી પરિવારની મિલકતો પર ક્રમશઃ પોતાનો કબ્જો જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકાઓ પ્રબળ બની છે. આ સંસ્થાએ રાજવીની પહાડી પરની જગ્યાથી માંડીને શહેરની અન્ય મિલકતો પણ ખરીદી લીધી છે, અને હવે તેમની નજર ધરમપુરના ગૌરવ સમા ‘ધ લેડી વિલ્સન મ્યુઝિયમ’ અને એક 200 વર્ષ જૂના, રાજવીઓ સાથે કોઈ સંબંધ ન ધરાવતા ખંડેર બંગલા પર પણ મંડાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચોક્કસ ધાર્મિક સંસ્થાએ સૌપ્રથમ ધરમપુર રાજવી પરિવારની પહાડી પર આવેલી જગ્યા વેચાતી લીધી હતી. ત્યારબાદ, તેમણે ધરમપુર શહેરમાં આવેલી રાજવી પરિવારના વારસદારોની અન્ય મિલકતો પણ તબક્કાવાર ખરીદી લીધી. આટલેથી ન અટકતા, આ સંસ્થાએ ધરમપુરના ઇતિહાસના પ્રતિક સમા ‘લેડી વિલ્સન મ્યુઝિયમ’માં પણ રાજ્યનાં એક મંત્રી પાસે ફોન કરાવી પોતાના ધાર્મિક પ્રચાર માટે એક અલગ પ્રદર્શની હોલ મેળવી લીધો છે, જે મ્યુઝિયમના મૂળ હેતુ અને તેની બિનસાંપ્રદાયિક ઓળખ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

લેડી વિલ્સન મ્યુઝિયમ, જેનું ઉદ્ઘાટન 1928માં થયું હતું, તે ધરમપુરના રાજવીઓ, ખાસ કરીને મહારાણા વિજયદેવજી દ્વારા એકત્રિત કરાયેલા દુર્લભ કલાકૃતિઓ, ઐતિહાસિક વસ્તુઓ અને પ્રાકૃતિક ઇતિહાસના નમૂનાઓનો અમૂલ્ય સંગ્રહ છે. આ મ્યુઝિયમ ધરમપુરના ગૌરવવંતા ભૂતકાળને પ્રદર્શિત કરતું જીવંત સ્મારક છે.

અહીં સૌથી મોટો તર્કબદ્ધ વિરોધાભાસ એ છે કે, આ મ્યુઝિયમમાં નાની વહિયાળના બંગલાની એકપણ ચીજવસ્તુ સંગ્રહિત નથી. એટલું જ નહીં, કોઈપણ સત્તાવાર દસ્તાવેજોમાં નાની વહિયાળના આ બંગલાનો ધરમપુરના રાજા સાથે કોઈ સંબંધ કે ઉલ્લેખ મ્યુઝિયમમાં નથી. પરંતુ, એક ચોક્કસ ધાર્મિક સંસ્થાએ મ્યુઝિયમ જેવા ઐતિહાસિક અને જાહેર સ્થળે પોતાના ધાર્મિક પ્રચાર માટેની સામગ્રી ગોઠવી દીધી છે અથવા ગોઠવવા દીધી છે, તે એક મોટો સવાલ છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે, આ સંસ્થા મ્યુઝિયમની ઐતિહાસિકતાનો ઉપયોગ પોતાના વ્યાપક એજન્ડાના ભાગરૂપે કરી રહી છે, જે ધરમપુરના સાંસ્કૃતિક વારસાને ખંડિત કરવા સમાન છે.

ધાર્મિક સંસ્થાની નજર હવે ધરમપુરના રાજવી પરિવાર સાથે ક્યારેય કોઈ સંબંધ ન ધરાવતા, નાની વહિયાળ ખાતે આવેલા એક 200 વર્ષ જૂના, જર્જરિત બંગલા પર પણ મંડાઈ છે. આ બંગલાની હાલત અત્યંત ખરાબ હોવા છતાં, તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની વાત ચાલી રહી છે.

આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બંગલા અને તેની આસપાસની જમીનને પોતાના નામે કરવી હોવાનું મનાય છે. આ માટે ધરમપુરના કેટલાક વગદાર રાજકારણીઓ પાસે આ બંગલાને પ્રવાસન સ્થળ બનાવવાની ‘ટહેલ’ નંખાવવામાં આવી છે.

આ એક સુઆયોજિત ‘પ્લાન’ હોવાનું જણાઈ રહ્યું છે, જેમાં બંગલાની જમીન અને બંગલો કોના નામે છે, તેમજ બંગલાની આસપાસ ક્યાં કોની જમીન છે તેની તમામ વિગતો એકત્રિત કરી, આ જર્જરિત બંગલાને હડપી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ શંકાઓને વધુ ગાઢ બનાવે છે.

ધરમપુરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આવી રીતે ‘ડોળો’ મંડાયાની ઘટનાથી સ્થાનિક જનતા અને ઇતિહાસ પ્રેમીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લેડી વિલ્સન મ્યુઝિયમ જેવા જાહેર સ્થળોનો ઉપયોગ ધાર્મિક પ્રચાર માટે બંધ કરાવવામાં આવે અને રાજવી પરિવારની મિલકતો તેમજ અન્ય ઐતિહાસિક સ્થળોને ગેરકાયદેસર રીતે હડપી લેવાના પ્રયાસોને અટકાવવામાં આવે તેવી ઉગ્ર માંગણીઓ ઉઠી રહી છે.

આ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરી, જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે, જેથી ધરમપુરનો સમૃદ્ધ ઇતિહાસ અને અડીખમ વારસો સુરક્ષિત રહી શકે અને ભાવિ પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *