વલસાડ જિલ્લાના 50થી વધુ રેસ્ક્યુઅર્સને આર્યા અને RR હોસ્પિટલની તબીબી સેવાઓનો મફત લાભ મળશે, જે તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. સમાજ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને કાર્યરત રહેતા આ ‘Real Heroes’ના સન્માનમાં આર્યા હોસ્પિટલે આ ઉમદા નિર્ણય લીધો છે.
આ જાહેરાત આર્યા/RR હોસ્પિટલ દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી (CMO) ડો. સોની ઉપાધ્યાય અને ડો. નવનીત ગુપ્તાએ બચાવકર્તાઓના બલિદાન અને જોખમી કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.
આર્યા હોસ્પિટલના ડો. નવનીત ગુપ્તા અને મુખ્ય તબીબી અધિકારી (CMO) ડો. સોની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “આપણા બચાવકર્તાઓ સમાજ માટે પોતાના જીવ જોખમમાં મૂકે છે. તેઓ માત્ર પ્રાણીઓને જ નહીં, પરંતુ દરેક પ્રકારની કટોકટીમાં લોકોને મદદ કરે છે. આ જાણી જે લોકો સૌના માટે ઊભા છે, તેમના માટે આપણે પણ ઊભા રહેવું જોઈએ. એ ઉદેશ્ય સાથે આર્યા હોસ્પિટલ, જે ટૂંક સમયમાં RR હોસ્પિટલ તરીકે પણ કાર્યરત થશે, તે આ બચાવકર્તાઓની સેવા કરવા માટે કટિબદ્ધ છે.
આ પહેલ બદલ Emergency Rescue Forceના મુકેશ ઉપાધ્યાયે હોસ્પિટલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ઉત્તમ કામ કરે છે, પરંતુ રેસ્ક્યુ કોલ્સની સંખ્યામાં વધારો થતા, અમારું કામ વધુ જોખમી બન્યું છે. અમારી જાન પર હંમેશા જોખમ રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ પહેલીવાર છે કે કોઈ હોસ્પિટલ અમારા વિશે વિચારી રહી છે. આર્ય હોસ્પિટલના ડોકટરો 24 કલાક અને 365 દિવસ અમારી મદદ માટે તૈયાર રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, બચાવકર્તાઓને કોઈ પણ સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં.”
આ કાર્યક્રમમાં ડો. નવનીત ગુપ્તાએ ઉપસ્થિત 50 જેટલા Rescuersને પ્રાથમિક સારવાર, સર્પદંશ સારવાર અને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) વિશે વ્યવહારિક તાલીમ પણ આપી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ બચાવકર્તાઓને કટોકટીની પરિસ્થિતિમાં માત્ર પોતાનો જીવ બચાવવા જ નહીં, પરંતુ અન્યોના જીવન પણ બચાવવા માટે સક્ષમ બનાવવાનો હતો.
આર્યા હોસ્પિટલની આ ઉમદા પહેલ વલસાડ જિલ્લાના બચાવકર્તાઓના મનોબળને ચોક્કસપણે વેગ આપશે અને તેમને વધુ સુરક્ષિત રીતે નિઃસ્વાર્થ સેવા કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ એક અનમોલ યોગદાન છે જે સમાજની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા આ સેવાભાવીઓને યોગ્ય સન્માન અને તબીબી સુરક્ષા પ્રદાન કરે છે.
![]()














