Wednesday, February 18News That You Want to Read

ઘોડબંદરથી તલાસરી NH-48 માર્ગની દયનીય સ્થિતિ અંગે સાંસદ ડો. હેમંત સવરાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત, વલસાડના નેતાઓ પણ આવી રજુઆત કરે

પાલઘર લોકસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ (NH-48) પર ઘોડબંદરથી તલાસરી વચ્ચેના માર્ગની અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પાલઘરના સાંસદ ડો. હેમંત સવરાએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને આ સંદર્ભે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરતું એક નિવેદન સુપરત કર્યું છે.

પરંતુ, શું વલસાડ જિલ્લામાંથી પસાર થતા NH-48ની સ્થિતિ પણ ઓછી ખરાબ છે?

વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓ અને જાગૃત નાગરિકો પણ લાંબા સમયથી NH-48ની દયનીય સ્થિતિ અંગે ચિંતિત છે. જિલ્લામાંથી પસાર થતા આ મહત્વપૂર્ણ માર્ગ પર પણ ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ચોમાસાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. દરરોજ હજારો વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ માર્ગ પરથી પસાર થાય છે, અને રસ્તાની આ પરિસ્થિતિ અકસ્માતોનું કારણ બની રહી છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

પાલઘરના સાંસદ ડો. હેમંત સવરાએ દિલ્હીમાં રજૂઆત કરી છે એવી જ રજુઆત વલસાડ સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક લોકપ્રતિનિધિઓએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવુ જોઈએ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના સાંસદ અને ધારાસભ્યો પણ ટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળીને વલસાડ જિલ્લામાંથી પસાર થતા NH-48ના સમારકામ, ટેકનિકલ ઓડિટ, અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણીઓ સાથે રજૂઆત કરશે.

સાંસદ ડો. હેમંત સવરાએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ, જે વલસાડ જિલ્લાને પણ લાગુ પડે છે, તેમાં શામેલ છે:

1. NH-48 માર્ગનું તાત્કાલિક પુનર્નિર્માણ (Resurfacing) કરવું.

2. રસ્તાના કામનું ટેકનિકલ ઓડિટ (Technical Audit) કરાવવું.

3. દોષિત ઠેકેદાર અને અમલીકરણ એજન્સીઓની જવાબદારી નક્કી કરવી.

4. નિયમિત જાળવણી અને ખાડાઓની તપાસ માટે એક સ્વતંત્ર મિકેનિઝમ (યંત્રણા) સ્થાપિત કરવી.

વલસાડના સ્થાનિક નેતાઓએ પણ જેમ પાલઘરની માંગણીઓ પર નીતિન ગડકરીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, તેમ વલસાડ જિલ્લાના NH-48ની સમસ્યાઓ પર પણ તેઓ તાત્કાલિક ધ્યાન આપીને કાર્યવાહી કરાવે. જો આ કાર્યો પૂર્ણ થશે તો વલસાડ જિલ્લાના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને વયોવૃદ્ધોનો પ્રવાસ વધુ સુરક્ષિત બનશે અને અકસ્માતોનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

ઉલ્લેખનીય છે કે, સાંસદ ડો. હેમંત સવરાએ ખાનિવડે (વસઈ) અને આંબોલી (તલાસરી) ગામોમાં હાઈવે ક્રોસ કરતી વખતે થતા જોખમોને કારણે, પ્રત્યેક સ્થળે એક ફૂટઓવર બ્રિજ (FOB) મંજૂર કરીને તેનું તાત્કાલિક બાંધકામ શરૂ કરવાની પણ માંગ કરી છે.

આ માંગણીઓ પર ત્વરિત પ્રતિસાદ આપતા, નીતિન ગડકરી સાહેબે ઉપરોક્ત માંગણીઓ સ્વીકારી લીધી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે.

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *