Tuesday, February 17News That You Want to Read

ગીરની દંતકથા સમાન જય-વીરુની અમર જોડીનો કરુણ અંત, મિત્રતાના પ્રતીક સિંહબંધુઓની ચિરવિદાયથી જંગલમાં ગુંજતી તેમની ડણક કાયમ માટે શમી ગઈ

ગીરના જંગલની શોભા સમાન, અને મિત્રતાના પ્રતીક સમી સિંહ જોડી જય અને વીરુ હવે નથી રહ્યા. એકાદ મહિના પહેલાં વીરુના અને આજે, 29 જુલાઈ, 2025 ના રોજ જયના અવસાન સાથે, ગીરની આ દંતકથારૂપ જોડી હંમેશ માટે વિખરાઈ ગઈ છે.

ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસો છતાં, આ સિંહ જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને શરણ થઈ. જયની સારવાર માટે વનતારાની ટીમે પણ ગીરમાં બે દિવસ રોકાણ કર્યું હતું, પરંતુ કમનસીબે તેઓ પણ ઈચ્છિત પરિણામ મેળવી શક્યા નહીં.

પરિમલ નથવાણી દ્વારા શોક વ્યક્ત

વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ અત્યંત ભારે હૃદય સાથે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે.

  • તેમણે ઉમેર્યું કે, “આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લેજન્ડ્સ ભલે વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગુંજતો રહેશે.”

શોલેની જોડી સાથે તુલના

ગીરના હૃદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી હતી. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડી પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી.

ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતા પ્રાસંગિક નાના-અમથા ઝઘડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે. આ અતૂટ બંધનને કારણે જ તેઓ માલણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.

મૈત્રીનું શાશ્વત પ્રતીક

તેમની રહસ્યમયી ડણક મિત્રતાના શાશ્વત પ્રતિજ્ઞાના પ્રતીક સમા સ્તુતિગાન “યે દોસ્તી…હમ નહીં તોડેંગે, છોડેંગે દમ મગર, તેરા સાથ ન છોડેંગે…” ને પ્રતિબિંબિત કરતી હતી. ગીરમાં એવી માન્યતા પ્રચલિત હતી કે, “ગીરમાં જય-વીરુને નહીં જોયા તો કંઈ નથી જોયું.”

વારસો જીવંત રહેશે

ગીર હંમેશા દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે. જય અને વીરુ ભલે આપણી વચ્ચે ન રહ્યા હોય, પરંતુ તેમની મિત્રતા અને શૌર્યની ગાથાઓ ગીરના જંગલમાં અને વન્યજીવ પ્રેમીઓના હૃદયમાં હંમેશ માટે જીવંત રહેશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *