Wednesday, February 18News That You Want to Read

પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીના 64મા જન્મદિવસની ઉજવણી: રક્તદાન શિબિર અને સન્માન સમારોહનું આયોજન

વાપી: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીના 64મા જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આ પ્રસંગે વાપીના સલવાવ ગુરુકુળમાં રક્તદાન શિબિર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, વિદ્યાર્થીઓ અને સ્નેહીજનો જોડાયા હતા.

2જી ઓગસ્ટ, 2025ના રોજ યોજાયેલા રક્તદાન શિબિરમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં કુલ 86 યુનિટ રક્ત એકત્ર થયું હતું. ખાસ વાત એ હતી કે સલવાવના સંત હરિસ્વામીજીએ પણ રક્તદાન કરીને ગુરુ કપિલ સ્વામીજીને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી. લાયન્સ બ્લડ બેંકની ટીમ અને ગુરુકુળના સ્વયંસેવકોના સહયોગથી આ કેમ્પ સફળ રહ્યો હતો.

રક્તદાન શિબિર બાદ વચનામૃતમ હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુવર્ય પૂરાણી સ્વામી કેશવ ચરણદાસજી, સ્વામી ભાનુપ્રકાશદાસજી, વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી, વિજ્ઞાન સ્વામી સહિત અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલ પણ આ પ્રસંગે હાજર રહીને સ્વામીજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સ્વામી ભાનુપ્રકાશદાસજીએ કપિલ સ્વામીજીના જીવન અને સેવાકાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેઓ ‘ટોપ ટુ બોટમ મેનેજમેન્ટનો પર્યાય’ છે. તેમણે આદિવાસી વિસ્તારોથી લઈને અમેરિકા સુધી માનવતાવાદી સેવાકાર્યોની સુવાસ ફેલાવી છે. ધર્મ, રાષ્ટ્ર અને માનવસેવાને જીવનમંત્ર બનાવનાર કપિલ સ્વામીજીએ અનેક મંદિરો, રાષ્ટ્રપ્રેમ સંમેલનો અને શિક્ષણના માધ્યમથી સંસ્કારનું સિંચન કર્યું છે.

સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામીજીએ જણાવ્યું કે, કપિલ સ્વામીજીના સેવાકાર્યોની પ્રશંસા અનેક મોટા નેતાઓના મુખે સાંભળી છે અને તેમને વિદેશમાં પણ સન્માન મળ્યું છે. તેમણે સામૂહિક ધૂન અને પ્રાર્થના કરીને સ્વામીજીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ કપિલ સ્વામીજીના સેવાકીય જીવનને બિરદાવ્યું અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *