મણીબાગ સોસાયટીમાં બનેલી ઘરફોડ ચોરીના કેસમાં વલસાડ સિટી પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં આંતરરાજ્ય ગેંગના એક ભાગેડુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડના મણીબાગ સોસાયટી-2માં બંગલો નંબર 127માં રહેતા દેવાનંદ લાખાભાઈ છુછળના ઘરે 29-30 એપ્રિલ, 2025 દરમિયાન ચોરી થઈ હતી. ચોરો 10,000 રૂપિયાની ટાઈટન કંપનીની ઘડિયાળ અને 2,00,000 રૂપિયાની સ્કોડા રેપિડ કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-11-AB-6552) લઈ ગયા હતા, જેની કુલ કિંમત 2,10,000 રૂપિયા થાય છે.
વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એસ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમોએ 150થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરી. આ તપાસના આધારે, પોલીસે મુંબઈ (મહારાષ્ટ્ર)ના રહેવાસી મંલગ સૌદ શેખ નામના આરોપીને અંબરનાથ, થાણે ખાતેથી ચોરીના મુદ્દામાલ સાથે પકડ્યો હતો.
ત્યારબાદ, પોલીસે અન્ય વોન્ટેડ આરોપી મંજુનાથ ઉર્ફે માંજા કેલકરે એશ્વરપ્પા કેલકરે, જે કર્ણાટકનો રહેવાસી છે, તેની શોધ શરૂ કરી. આ આરોપી 60થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને તે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભાગી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને પીએસઆઈ ડી.એસ. પટેલની ટીમોએ આંતરરાજ્ય પોલીસ સાથે સંકલન કરીને અને અગાઉ પકડાયેલા આરોપી મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મહંમદ સઈદ પાસેથી મળેલી માહિતીના આધારે મંજુનાથને કર્ણાટકથી દિલ્હી ભાગતી વખતે પકડ્યો. આરોપી પાસેથી 9 તોલા સોનું અને જયનગર પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી કાર (રજીસ્ટ્રેશન નંબર KA03NG1634) પણ રિકવર કરવામાં આવી છે.
મંજુનાથને ટ્રાન્ઝિટ વોરંટ પર શિવમોગા (કર્ણાટક)થી વલસાડ લાવવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ 70થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં બેંગ્લોર, કોલાર, તુમકુર, શિવમોગા અને અન્ય સ્થળોએ થયેલી ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે.
આ પ્રશંસનીય કામગીરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર, પીએસઆઈ ડી.એસ. પટેલ, અને પોલીસ સ્ટાફના સભ્યો ASI સુનીલભાઈ, ASI ઇશ્વરભાઈ, HC સહદેવસિંહ, HC નરેંદ્રસિંહ, HC દિવાનજી, PC મહેંદ્રસિંહ, PC ભાવેશભાઈ, PC પ્રવીણભાઈ, PC ભરતભાઈ, PC મંગુભાઈ, અને PC જયદીપસિંહ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી છે.
![]()


