સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક ભવ્ય પહેલ કરવામાં આવી છે. રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-૨૦૨૫ના અનુસંધાનમાં, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રાનો શુભારંભ ધારાસભ્યએ ચાર વેદોની મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરીને કરાવ્યો હતો. જિલ્લાની વિવિધ શાળાઓના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીતો, સુભાષિતો અને શ્લોકોના ઉચ્ચારણ સાથે વાતાવરણને ગુંજતું કર્યું હતું.
આ યાત્રામાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ દર્શાવતા ટેબ્લો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા અને પારડી સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઋષિઓની વેશભૂષા ધારણ કરીને અને સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરીને જનજાગૃતિ ફેલાવી હતી. આ રેલી કલેક્ટર કચેરીથી શરૂ થઈ સર્કિટ હાઉસ, ટાવર, સ્ટેડિયમ રોડ, કલ્યાણ બાગ સર્કલ, અને એસપી કચેરી થઈને પરત કલેક્ટર કચેરી પર સમાપ્ત થઈ હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા સંસ્કૃત ભાષાના મહત્વને પુનર્જીવિત કરવા અને યુવા પેઢીમાં તેના પ્રત્યે રુચિ જગાડવા માટે એક પ્રેરણાદાયક પગલું છે.
![]()




