જ્યારે કોંગ્રેસ હતી ત્યારે ‘કોંગ્રેસીયું’, હવે ભાજપ છે તો ‘ભાજપીયું’ કહેવાય? – દેશમાં ‘ઘાસ’ અને ‘શાસન’ બંને કાયમી સમસ્યા!
અહીં આપેલા ફોટોગ્રાફ્સમાં જે ઘાસ દેખાય છે, તેને ગુજરાતી ખેડૂતોમાં સામાન્ય રીતે કોંગ્રેસીયું કે ગાદરિયું તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે આ ઘાસનું નામ Parthenium hysterophorus છે અને તેને ગાજર ઘાસ અથવા કોંગ્રેસ ઘાસ પણ કહેવાય છે.
આ ઘાસ મૂળભૂત રીતે મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોનું વતની છે. ભારતમાં તે 1950ના દાયકામાં ઘઉંની આયાત સાથે આકસ્મિક રીતે પ્રવેશ્યું હોવાનું મનાય છે. ત્યારથી, તે સમગ્ર દેશમાં ઝડપથી ફેલાયું છે અને એક મુખ્ય સમસ્યા બની ગયું છે.
ખેડૂતો માટે માથાનો દુઃખાવો! ‘કોંગ્રેસીયું’ ઘાસ જે પાક અને જમીન બંનેનો કરે છે સફાયો!
આ ઘાસ ખેડૂતો માટે શા માટે આટલું નુકસાનકારક છે?
1. પાક ઉત્પાદનમાં ઘટાડો: આ ઘાસ ખૂબ ઝડપથી વધે છે અને જમીનમાં રહેલા પાણી અને પોષક તત્વોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જેના કારણે મુખ્ય પાકને પૂરતા પોષક તત્વો મળતા નથી. આ ઉપરાંત, તે પાકને ઢાંકી દે છે, જેનાથી સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને પાકના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. આના પરિણામે પાકનું ઉત્પાદન 30-40% જેટલું ઘટી શકે છે.
2. કોઈ પણ દવા અસરકારક નથી: ખેડૂતોના જણાવ્યા મુજબ, મોટાભાગની સામાન્ય નીંદણનાશક દવાઓ (herbicides) આ ઘાસ પર ઓછી અસર કરે છે. આ ઘાસનો નાશ કરવા માટે ખાસ દવાઓનો ઉપયોગ કરવો પડે છે, જે મોંઘી હોય છે. જોકે, આ ઘાસની પ્રજાતિ દવાની સામે પણ ઝડપથી પ્રતિરોધક (resistant) બની રહી છે, જેથી રાસાયણિક ઉપચારની અસરકારકતા ઘટી રહી છે.
3. મજૂરી ખર્ચમાં વધારો: દવાઓથી નાશ ન થતો હોવાથી, ખેડૂતોને મજૂરો રોકીને હાથથી નીંદણ કરાવવું પડે છે. આ પ્રક્રિયા કપરું અને મોંઘું છે.
4. જમીનની ફળદ્રુપતા પર અસર: આ ઘાસ જમીનમાંથી પુષ્કળ પોષક તત્વો ખેંચી લે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે.
5. માનવ અને પશુ સ્વાસ્થ્ય માટે હાનિકારક: આ ઘાસના પરાગ (pollen) શ્વાસમાં જવાથી એલર્જી, અસ્થમા અને ચામડીના રોગો જેવી બીમારીઓ થઈ શકે છે. પશુઓ જો આ ઘાસ ખાઈ જાય તો તેમને ઝેરી અસર થાય છે. એટલે પશુઓ પણ તેને ખાતા નથી.
નાશ નહીં પામતું ‘કોંગ્રેસીયું’: એક ઘાસ જે પાક, આરોગ્ય અને અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડે છે.
આ ઘાસનો નાશ કરવાના ઉપાયો
આ ઘાસનો નાશ કરવો એક મોટો પડકાર છે. જોકે, કેટલીક સંકલિત પદ્ધતિઓ અપનાવી શકાય છે:
હાથથી નીંદણ: ફૂલો આવે તે પહેલાં જ, હાથથી આ ઘાસને ઉખાડી નાખવું સૌથી અસરકારક ઉપાય છે. જોકે, આ પદ્ધતિ મજૂરી માંગી લે તેવી છે. ઘાસ ઉખાડતી વખતે મોઢા પર માસ્ક અને હાથમાં મોજા પહેરવા જરૂરી છે, જેથી તેની એલર્જીક અસરોથી બચી શકાય.
રાસાયણિક નિયંત્રણ: Glyophosate, Atrazine અથવા Metribuzin જેવી દવાઓનો ઉપયોગ નિષ્ણાતની સલાહ મુજબ કરવાથી તેને નિયંત્રિત કરી શકાય છે.
જૈવિક નિયંત્રણ: Zygogramma bicolorata નામની ભમરી આ ઘાસના પાંદડા ખાય છે અને તેના વિકાસને અટકાવે છે. આ પદ્ધતિનો ઉપયોગ પણ કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે.
નિયમિત ખેડાણ: પાક વાવતા પહેલાં ઊંડી ખેડ કરવાથી તેના બીજ જમીનમાં દબાઈ જાય છે, જેથી તેનો ફેલાવો ઓછો થાય છે.
જો કે, ખેડૂતો માટે અનેક યોજનાઓ જાહેર કરતી વર્તમાન સરકાર આ ઘાસથી ખેડૂતોને છુટકારો અપાવવા માટે પણ કોઈ ખાસ સંશોધન હાથ ધરાવે, ઘાસના નિકંદન માટે આધુનિક ખેતીના ઉપાયો શોધે એ જરૂરી છે. નહિ તો વિકાસ મોડેલના બણગાં માત્ર ઉદ્યોગકારો માટે જ હોવાનું માનતા ખેડૂતો કોંગ્રેસીયા ઘાસનું નામ ભાજપીયુ ઘાસ કરી નાખે તો નવાઈ નહિ.
![]()





