વલસાડ: વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ને દારૂબંધીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. વલસાડ SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને રાજકોટ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહ (સુરત વિભાગ) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ કરવામાં આવી હતી, જેમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજકોટથી પકડાયેલો આરોપી કોણ?
ઝડપાયેલા આરોપીની ઓળખ ઈમરાનભાઈ ઉર્ફે પિંગો રજાકભાઈ મિનીવાડિયા તરીકે થઈ છે, જેની ઉંમર 34 વર્ષ છે. તે રાજકોટના દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીનો રહેવાસી છે. આરોપી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુના હેઠળ વોન્ટેડ હતો.
SOGની ટીમને સફળતા મળી
આ સફળતામાં SOGના અધિકારીઓ અને કર્મચારીઓની મહત્વની ભૂમિકા રહી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એ. યુ. રોઝના માર્ગદર્શન હેઠળ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમશીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીલુભાને મળેલી બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
હાલમાં, ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી તા. 01/09/2025 ના રોજ કરવામાં આવી હતી.
![]()


