Wednesday, February 18News That You Want to Read

બ્રહ્માકુમારીઝનો ઐતિહાસિક સંકલ્પ: ગુજરાત કરશે ‘વિશ્વ શાંતિદાન’! કિલ્લા પારડીમાં ‘બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ

બ્રહ્માકુમારીઝ ગુજરાતની ડાયમંડ જુબેલી ઉજવણી: 100 કરોડ મિનિટના શાંતિદાનનું લક્ષ્ય

અમદાવાદ/કિલ્લા પારડી: બ્રહ્માકુમારીઝ ગુજરાત દ્વારા આધ્યાત્મિક સેવાની 60 વર્ષની સુવર્ણ યાત્રા પૂર્ણ થઈ રહી છે, જેના ભાગરૂપે વર્ષ 2025ને ‘ડાયમંડ જુબેલી વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક અવસરે સંસ્થાએ વિશ્વ કલ્યાણ માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યો છે. ‘બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ’ (Billion Minutes of Peace Appeal) નામનો આ પ્રોજેક્ટ ૧૦૦ કરોડ (એક બિલિયન) વિશ્વ શાંતિદાનની મિનિટો એકત્રિત કરવાના વિશાળ લક્ષ સાથે શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદની સાથે દક્ષિણ ગુજરાતના કિલ્લા પારડી ખાતેના બ્રહ્માકુમારીઝના પારસમણી હોલમાં કરવામાં આવ્યું હતું.

શાંતિ માટે 5 મિનિટનું દૈનિક યોગદાન:
આ પ્રોજેક્ટ અંતર્ગત, 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના અને મેડિટેશન કરવાનું રહેશે. બ્રહ્માકુમારીઝ જુનાગઢ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી પારુલ દીદી અને બ્રહ્માકુમારી મીનલ બેને સમાજના દરેક વર્ગને નમ્ર અનુરોધ કર્યો છે કે,

  • “દુનિયા આજે યુદ્ધ અને અશાંતિના આરે ઊભી છે. આ સ્થિતિમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રમાંથી અશાંતિ દૂર કરવા માટે આપણે સૌ એક પ્રભુ પિતાના સંતાનોએ દરરોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ એક સ્થળ પર બેસીને વિશ્વ શાંતિ માટે મેડિટેશન અને પ્રાર્થનાનો આધાર લેવો પડશે.”

યુ.એન.માં રજૂ થશે ગુજરાતનો શાંતિ રિપોર્ટ:

બ્રહ્માકુમારીઝ ગુજરાતનું લક્ષ્ય 100 કરોડ શાંતિ દાનની મિનિટ એકત્રિત કરવાનું છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે સમગ્ર ગુજરાતની વિવિધ શૈક્ષણિક, સામાજિક, યુવા, મહિલા સંસ્થાઓ, સિનિયર સિટીઝન ગૃપ, સરકારી કાર્યાલયો, કોર્પોરેટ કંપનીઓ, ફેક્ટરીઓ અને તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવશે.

ખાસ વાત એ છે કે, પ્રોજેક્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી એકત્રિત થયેલ કરોડો મિનિટ શાંતિના દાનનો આ સંપૂર્ણ રિપોર્ટ યુનાઈટેડ નેશન (UN) સમક્ષ રજૂ કરવામાં આવશે, જે વૈશ્વિક શાંતિ માટે ગુજરાતના યોગદાનને એક આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડશે.

તમે પણ બની શકો છો સહયોગી:

બ્રહ્માકુમારીઝે તમામ ભાઈ-બહેનોને આ પવિત્ર કાર્યમાં યોગદાન આપવા અપીલ કરી છે. તમે તમારી મેડિટેશન/પ્રાર્થનાની મિનિટો તમારા નજીકના બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પર નોંધાવીને આ ઈશ્વરીય સેવામાં સહયોગી બની શકો છો.
અશાંતિની કગાર પર ઊભેલી દુનિયાને શાંતિનો માર્ગ દર્શાવવાનો આ એક અનોખો અને આધ્યાત્મિક પ્રયાસ છે, જેમાં ગુજરાત અગ્રેસર બનશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *