Tuesday, February 17News That You Want to Read

NHRCનું સખ્ત પગલું: દીકરીના મૃત્યુ બાદ પિતા પાસેથી એમ્બ્યુલન્સ ડ્રાઇવરથી લઈને સ્મશાનકર્મી સુધી સૌએ માગી લાંચ, કર્ણાટક સરકારને બે અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ

બેંગલુરુ: ભ્રષ્ટાચારની ચરમસીમા! મૃત દીકરીને અંતિમ વિદાય આપવા ગયેલા પિતાને દરેક પગલે ચૂકવવી પડી લાંચ

બેંગલુરુમાં (Bengaluru) એક ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક 64 વર્ષીય શોકમગ્ન પિતાને પોતાની એકમાત્ર દીકરીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારની વિધિઓ પૂરી કરવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવર, પોલીસ, સ્મશાનગૃહના સ્ટાફ અને સિવિક અધિકારીઓ સહિત લગભગ દરેક જગ્યાએ લાંચ ચૂકવવાની ફરજ પડી હતી. આ સમગ્ર મામલો મીડિયામાં આવ્યા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ઇન્ડિયાએ તેની suo motu cognizance (પોતાની મેળે નોંધ) લીધી છે.

રિપોર્ટ અનુસાર, આ મહિલા, જે IIT મદ્રાસ અને IIM અમદાવાદની સ્નાતક હતી અને શહેરમાં નોકરી કરતી હતી, તેનું 18 સપ્ટેમ્બર 2025ના રોજ બ્રેઈન હેમરેજથી દુઃખદ અવસાન થયું હતું. દીકરીના અવસાન બાદ પિતાએ એમ્બ્યુલન્સ બોલાવી, ત્યારે ડ્રાઇવરે સેવા માટે વધારે પૈસા (Over-charged) માગ્યા.

પિતાએ દીકરીના મૃત્યુની જાણ પોલીસને કરી. પોલીસે સહાનુભૂતિ બતાવવાને બદલે FIR અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલો આપવા માટે લાંચ લીધી હોવાનું કહેવાય છે. મૃતક દીકરીના પરિવારે તેની આંખોનું દાન કર્યું હતું, છતાં સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર પહેલાં પણ પિતા પાસેથી પૈસાની માગણી કરવામાં આવી અને તેમણે તે ચૂકવ્યા.

સૌથી આઘાતજનક વાત તો એ હતી કે મહાદેવપુરા મ્યુનિસિપલ ઓથોરિટીઝ (Mahadevapura Municipal authorities) તરફથી મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate) મેળવવામાં પણ ઘણો વિલંબ થયો. એક વરિષ્ઠ અધિકારીના હસ્તક્ષેપ છતાં, પિતાએ ફરી લાંચ ચૂકવ્યા પછી જ તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

કમિશને આ ઘટનાને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. આ અહેવાલો જો સાચા હોય તો, તે ભ્રષ્ટાચાર, બેદરકારી અને અમાનવીયતાની હદ દર્શાવે છે.

NHRCએ તાત્કાલિક અસરથી કર્ણાટકના મુખ્ય સચિવ (Chief Secretary) અને પોલીસ મહાનિર્દેશક (Director General of Police) ને નોટિસ પાઠવી છે. કમિશને આ સમગ્ર મામલે બે અઠવાડિયાની અંદર એક વિગતવાર અહેવાલ (detailed report) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ ઘટનાએ વહીવટી તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના સડેલા મૂળને ખુલ્લા પાડ્યા છે, જ્યાં શોકગ્રસ્ત પરિવારને પણ શાંતિથી અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરવા દેવામાં આવતી નથી. હવે જોવાનું એ રહ્યું કે સરકારના રિપોર્ટ બાદ દોષિતો સામે કેવા પગલાં લેવામાં આવે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *