વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામ તેના સુંદર બીચ અને માછીમારી સાથે સંકળાયેલ માછીમારોના વ્યવસાયને લઈને ખૂબ જાણીતું છે. તેમ આ ગામનો 26 વર્ષીય કલાકાર પ્રશાંત દમણિયા પણ માછીમારોની પ્રિય હોડી/વહાણની પ્રતિકૃતિ બનાવી પ્રસંશા મેળવી રહ્યો છે.

શરૂઆતમાં પોતાના શોખ ખાતર એકાદ બે બોટ બનાવનાર પ્રશાંતે હવે આ કલાને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવી લીધો છે. નારગોલ ગામમાં સમુદ્ર નારાયણ મંદિર પાછળ પરિવાર સાથે રહેતા Wooden artist પ્રશાંત અરુણભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમા 100 થી વધારે અલગ અલગ પ્રકારની બોટો બનાવી છે. જેમાં સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારની અને મહારાષ્ટ્ર વિસ્તારની બોટનો સમાવેશ થાય છે.

કોઈપણ માછીમારની હોડી નિહાળ્યા બાદ તે બોટની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરતા પ્રશાંતને ગુજરાતના દરેક ફિશીંગ બંદરથી બોટ માલિકોના ઓર્ડર મળે છે. તો, મહારાષ્ટ્રથી પણ સારા ઓર્ડર મળ્યા છે. એ ઉપરાંત અનેક બોટ/વહાણ શોખીનો જેમ કે, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશથી તેમને ઓર્ડર આપે છે. કેટલાક વહાણની પ્રતિકૃતિઓ તેમણે UK (યુનાઈટેડ કિંગડમ ) પણ મોકલાવી છે.

પ્રશાંતે જણાવ્યું હતું કે, એક બોટ/વહાણ બનાવતા તેમને અંદાજીત 7 થી 9 દિવસ લાગે છે. બોટ બનવા માટે તે સાગ (teak wood) નો અને તેના ટકાઉ માટે Chemical નો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે તે ઓર્ડર મુજબ 2 ફૂટ થી લઈને 6 ફૂટ સુધીની પ્રતિકૃતિ તૈયાર કરીને આપે છે. જેની કિંમત પણ બોટ/વહાણની ડિઝાઇન મુજબ 7 હજારથી 30 હજાર સુધીની હોય છે.

ઉલ્લેખનીય છે કે, નારગોલ ગામ 80 ટકા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ પરિવારોનું ગામ છે. આ હોડી માલિકો પોતાની હોડીઓ લઈ સમુદ્રમાં માછીમારી માટે જાય છે. તેમની હોડી પ્રત્યે તેમને ભારે લગાવ હોય છે. એટલે તેની પ્રતિકૃતિ બનાવડાવી તેને કાયમી યાદગીરી માટે શૉ-પીસ માં રાખે છે. પ્રશાંતે ઘરે જ વર્કશોપ ખોલી અનેક માછીમારોના જહાજોની પ્રતિકૃતિ બનાવી નારગોલ ગામને કલા કારીગરીક્ષેત્રે નામના અપાવી છે.















![]()
