
Vihar Vaishnav : હૈદરાબાદમાં હાલ 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં તેલંગાણાની મહિલાઓ દ્વારા મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવાનાની એક બાબતે હોબાળો મચી ગયો છે.
આ અંગેની એક ક્લિપ વાઈરલ થઈ છે જેમાં સ્પર્ધકો પરંપરાગત વસ્ત્રોમાં બેઠા છે અને સ્થાનીક મહિલાઓ પિત્તળના વાસણોનો ઉપયોગ કરીને તેમના પગ પર પાણી રેડી રહી છે અને સ્પર્ધકો માટે ટુવાલ લાવતી પણ નજરે પડી રહી છે.
તેલંગાણાની મહિલાઓએ મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવા પર BRS એ કોંગ્રેસ સરકારની ટીકા કરી, અને તેને શરમજનક ગણાવ્યું છે. આ અંગે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને બીઆરએસના વરિષ્ઠ ધારાસભ્ય પી. સબિતા ઇન્દ્ર રેડ્ડીએ કોંગ્રેસ સરકારની ટીકા કરતા કહ્યું કે, આ કૃત્ય રાજ્યમાં મહિલાઓના ગૌરવનું ઘોર અપમાન છે. આ ઘટના સંદર્ભે તેમણે મહિલા સશક્તિકરણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો.
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા, BRS ના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે X પર પોસ્ટ કર્યું, “કોંગ્રેસના મુખ્યમંત્રી સત્તાવાર રીતે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી બેઠા છે.”
આ અંગે પ્રવાસન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશતા પહેલા પગ ધોવાની પરંપરાગત પ્રથા છે, જેમાં સ્પર્ધકોએ પાણી ભરેલી પિત્તળની થાળીનો ઉપયોગ કરીને ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. જો કે સોશિયલ મીડિયા પર આ દ્રશ્યોની આકરી ટીકા થઈ છે.
મહત્વનું છે કે આ અગાઉ બે વખત ભારતમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું સફળ આયોજન થઈ ચુક્યું છે.